સંસ્થાનો પરિચય

1960ની સાલમા ભાવનગર શહેર અને જિલ્લામા શ્રવણમંદ બાળકોના શિક્ષણ માટે કોઈ વ્યવસ્થા ન હતી. એ સમયે દરબારગઢ વૉડૅ નવજવાન સંઘના યુવાન ભાઈ-બહેનોએ શહેર અને જિલ્લા માટે શ્રવણમંદ બાળકોંની શાળા શરૂ કરવાનુ કપરૂં કામ ઉપાડયુ. તે માટે  જ્યોતિબાળા નામની બાળા પ્રથમ વિદ્યાર્થીની બની. શ્રવણમંદ બાળકોના વાલીઓએ ખભે–ખભા મિલાવીને આ શાળા શરૂ કરવામા રસ દાખવ્યો અને શ્રી રમણીકલાલ મનોરદાસ શાહે તેમનુ ભાવનગરમા સત્યનારાયણ રોડ આવેલુ ગીતા પાઠશાળાનુ મકાન શાળા માટે ભાડે વાપરવા આપ્યુ. કોઈએ જાજમ, બ્લેક બોર્ડ તો કોઈએ ટેબલ-ખુરશી અને બાંકડા આપ્યા. અમદાવાદની બહેરા મૂંગા શાળામાંથી તાલીમ પામેલા એક શિક્ષક શંકરરાવ પવાર વિનંતીથી મેળવી શકાયા. આમ લોકોના સહકારથી આ શાળાના શ્રી ગણેશ મંડાયા. આઠ બાળકોથી વગર પૈસે શરૂ થયેલી આ ચીલાચાલુ શાળાએ શરૂઆતમા ઘણી મુશ્કેલીઓ વેઠી. વગર ભાડાના મકાનની મુદત પૂરી થતા મકાન ખાલી કરવાનુ થયુ. મહામુશ્કેલીએ લીમડીવાળી સડક પર મકાન મળ્યુ, તો તે વરસાદમા પડી ગયુ અને શાળા બંધ થઈ ગઈ. એવામા શ્રી ગીરધરલાલ ખીમચંદ શાહ તરફથી ક્રેસંટ ચોકમા શ્વેતામ્બર મકાન ભેટ મળ્યુ. લેવા ગયા હતા ભાડે ! શરૂઆતમા ઘણી મુશ્કેલીઓ વેઠીને 1970મા રોયલ ઈંન્સ્ટિટ્યૂટ ફોર ધી ડેફ - લંડનના માર્ગદર્શનથી વૈજ્ઞાનીક અભીગમ તરફ વિકાસની કેડી કંડારવાનુ શરૂ કર્યુ. મહાનગરપાલીકાએ સંસ્થાના અદ્યતન મકાન માટે વિદ્યાનગરમા જમીન આપી. રોયલ સ્કૂલે ટેકનિકલ ડેટા આપ્યા અને અમેરિકાથી તાજા જ ભણીને આવેલા ભાવનગરના જ યુવાન આર્કિટેક્ટ શ્રી ધનસુખભાઈ ભટ્ટે સંસ્થાના મકાનની ડિઝાઈન બનાવી અને સંસ્થાના કાર્યકર્તાઓએ તેમા પ્રાણ પૂર્યા. ભારતના વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધીએ 1970મા સંસ્થાના મકાનનુ ભૂમિપૂજન કર્યુ, પરિણામે આ સંસ્થા આજે દેશ-વિદેશમા શ્રવણમંદ બાળકોની તાલિમ માટે આગવુ સ્થાન ધરાવે છે.

બહેરા મુંગા શાળાની વેબસાઇટ ઉપર આપનુ સ્વાગત છે, આપનો અભિપ્રાય જણાવશોજી.